Mango Farmingલૉગિન

આંબામાં કેરી ખરી જાય છે: કુદરતી ખરણ અને ટાળી શકાય તેવું ખરણ

Gujarat Bio Organics ટીમ · 2 મિનિટ વાંચન · અપડેટ: 19 નવેમ્બર 2026

આંબા પરથી ઉતારેલી કાચી કેરી

ટૂંકો જવાબ

એક મોરમાં સેંકડો ફૂલ હોય છે, પણ તેમાંથી બહુ ઓછાં જ પાકી કેરી સુધી પહોંચે છે. શરૂઆતમાં નાનાં ફળ ખરે તે કુદરતી છે. ચિંતા ત્યારે કરવી જ્યારે લખોટી જેવડાં કે મોટાં ફળ મોટા પ્રમાણમાં ખરે. તેનાં સામાન્ય કારણ પાણીની ખેંચ, ગરમ પવન, અચાનક ભારે પિયત અને મોર પર જીવાત-રોગ છે.

ફળ ખરવાના ત્રણ તબક્કા

ક્યારેફળનું કદશું સમજવું
ફળ બેસ્યા પછી 2-3 અઠવાડિયારાઈ-વટાણા જેવડાંમોટે ભાગે કુદરતી. આંબો પોતે જ વધારાનાં ફળ છોડે છે.
માર્ચલખોટી જેવડાંપાણી અનિયમિત હોય, મધિયો કે છારો રહ્યો હોય તો વધે.
એપ્રિલ-મેમોટાં ફળગરમ પવન, પાણીની ખેંચ, ફળમાખી. અહીંનું ખરણ સીધું ઉત્પાદન ઘટાડે છે.

ફળ ટકાવવા શું કરવું

  • પિયત સરખું રાખો. ફળ વટાણા જેવડાં થાય પછી હળવું પિયત શરૂ કરો અને પછી નિયમિત રાખો. લાંબી ખેંચ પછી એકસાથે ભારે પાણી આપવાથી ફળ ખરી શકે.
  • ખામણામાં મલ્ચિંગ. સૂકું ઘાસ કે પાન ભેજ જાળવે છે અને ગરમીમાં મૂળને રાહત આપે છે.
  • મોરના સમયે સાવચેતી. મધિયો અને ભૂકી છારો મોરમાં કાબૂમાં ન આવે તો પછી ફળ ટકતાં નથી. જુઓ મધિયો અને ભૂકી છારો.
  • પરાગનયન. પૂરા ખીલેલા મોર પર જંતુનાશક છંટકાવ ટાળો. મધમાખી ન હોય તો ફળ ઓછાં બેસે.
  • સફાઈ. ખરેલાં ફળ રોજ ભેગાં કરી બગીચાની બહાર નિકાલ કરો. ફળમાખી તેમાં વધે છે.
  • ગરમ પવન. બગીચાની ફરતે પવન-રોધક વૃક્ષોની હરોળ લાંબા ગાળે મદદ કરે છે.

પોષણ અને જમીન

નબળા મૂળ અને થાકેલી જમીનવાળા આંબામાં ફળ ટકવાની શક્તિ ઓછી હોય છે. જમીનમાં સેન્દ્રિય પદાર્થ અને ઉપયોગી જીવાણુ હોય તો મૂળ વધુ સારી રીતે પાણી અને ખોરાક લે છે. જમીનની ચકાસણી કરાવી ખાતર આપવું સૌથી સાચો રસ્તો છે.

વારંવાર પુછાતા પ્રશ્નો

કેરી ખરવી સામાન્ય છે?

હા, શરૂઆતમાં નાનાં ફળ મોટા પ્રમાણમાં ખરે તે કુદરતી છે. મોટાં ફળ ખરે તો કારણ શોધવું જોઈએ.

ફળ બેસ્યા પછી પાણી ક્યારે આપવું?

ફળ આશરે વટાણા જેવડાં થાય પછી હળવું પિયત શરૂ કરી, પછી નિયમિત અંતરે આપવું. જમીન અને હવામાન પ્રમાણે અંતર બદલાય.

એપ્રિલ-મેમાં કેરી કેમ વધુ ખરે છે?

ગરમ પવન, પાણીની ખેંચ અને ફળમાખી આ સમયે ખરણ વધારે છે. પિયત ન ચૂકવું અને ખરેલાં ફળ ઉપાડતાં રહેવું.

વધુ માહિતી માટે

આ માર્ગદર્શિકા સામાન્ય માહિતી માટે છે. દવા કે ખાતરનો ડોઝ હંમેશાં લેબલ અને તમારા વિસ્તારની કૃષિ યુનિવર્સિટી કે KVK ની ભલામણ પ્રમાણે નક્કી કરો.

મફત ચકાસણી